વિધ્નહર્તાની વિસર્જન યાત્રા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ
81 હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે
21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા બનાવવામાં આવ્યા
ગણેશ વિસર્જન માટે પોલીસ તંત્રનું વિશેષ આયોજન
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત મોનિટરિંગ
સુરત શહેર તથા જીલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન વેળા શહેરમાં કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે. જેમાં 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવશે. સાથે જ 1થી 5 ફૂટની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે, જ્યારે 5 ફુટથી મોટી પ્રતિમાઓને કુદરતી ઓવારામાં વિસર્જિત કરવામાં આવશે. ગણેશ વિસર્જન દરમિયાન 1 CP, 1 સ્પેશિયલ CP, 2 JCP, 22 DCP, 33 ACP, 159 PSI ફરજ પર તૈનાત રહેશે. વધુમાં 6575 પોલીસ, 5 હજાર હોમગાર્ડ, 12 SRP કંપની પણ હાજર રહેશે. આ ઉપરાંત 6 હજાર જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ફરજ પર હાજર રહેશે. સાથે જ રહેણાંક વિસ્તારમાં 450 ધાબા ઉપર પોઇન્ટ આપવામાં આવ્યા છે, જ્યાં પોલીસ તૈનાત રહેશે. પોલીસ દ્વારા 20 ડ્રોન કેમેરાથી સતત ચાંપતી નજર રાખવામાં આવશે.
પોલીસ જવાનો 125 વીડિયો કેમેરા અને 900 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. આ સાથે જ 150 AI કેમેરા અને 2 હજાર CCTV કેમેરા તેમજ 326 પેટ્રોલિંગ વાહનો અને 10 વોચ ટાવરથી પોલીસ આ વિસ્તાર પર નજર રાખશે. તેમજ જિલ્લામાંથી 5 DCP, 13 ACP, 35 PI, 74 PSI, 600 પોલીસકર્મી અને 3500 હોમગાર્ડને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવશે. વધુમાં 8 SRP કંપનીની પણ મદદ લેવામાં આવશે. સુરત શહેરમાં અલગ અલગ સ્થળ પર ક્રાઈમ બ્રાન્ચ અને SOG પોલીસની 10 ટીમો હાજર રહેશે. તદુપરાંત 7 વજ્ર વાહન અને 1 વરુણ વાહનને પણ તૈનાત રાખવામાં આવ્યું છે. આમ, સુરત શહેર તથા જીલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન પોલીસ વિભાગ તમામ તૈયારીઓ સાથે સજ્જ બન્યું છે.