શહેર પોલીસ તંત્ર 20 ડ્રોનથી થયું અપડેટ
25 લાખના નવા આધુનિક 8 ડ્રોન મળ્યા
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કરશે કોમ્બિંગ
તહેવારોમાં પોલીસ રાખશે ડ્રોનથી નજર
ગુન્હાખોરીને ડામવામાં ડ્રોન બનશે મદદરૂપ
સુરત શહેરમાં ગુનાખોરીને ડામવા અને અસામાજિક તત્વો પર કડક નજર રાખવા માટે પોલીસને 25 લાખના આધુનિક ટેકનોલોજીના નવા 8 ડ્રોન મળ્યા છે. અને હવે ડ્રોનની સંખ્યા 20 થઈ છે.આવનારા પર્વોમાં એક સાથે 20 ડ્રોનની મદદથી પોલીસ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરી શકશે.
સુરત શહેરમાં વધતી ગુન્હાખોરીને ડામવા માટે શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે.આવનારા સમયમાં સુરત પોલીસ એક ખાસ ઓપરેશનમાં હાથ ધરનાર છે. જેમાં ખાસ કરીને પાંચ પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ અને ગીચ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સલાબતપુરા, ડીંડોલી, ઉધના, લિંબાયત અને પાંડેસરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે ડ્રોનનો બહોળો ઉપયોગ કરવામાં આવશે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ડીજીપી તરફથી 25 લાખના ખર્ચે 8 જેટલા નવા ડ્રોન સુરત શહેરને મળ્યા છે. અગાઉ સુરત પોલીસ પાસે 12 જેટલા ડ્રોન હતા અને નવા 8 ડ્રોન મળતા ડ્રોનની સંખ્યા 20 થઈ છે. આ ડ્રોનનો ઉપયોગ ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા અને પેટ્રોલિંગ માટે કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ડ્રોન દ્વારા મેળવવામાં આવેલા ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે પણ રજૂ કરી શકાશે, જે ગુનાઓ ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થશે.