-
પોલીસ દેવદૂત બની હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો
-
રાંદેરમાં 5 વર્ષીય બાળક ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાયું
-
પોલીસે 100થી વધુ CCTV તપાસી ગુમ બાળકને શોધી કાઢ્યું
-
પોલીસને બાળકને શોધવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો
-
બાળકનું પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો
સુરત શહેરમાં પોલીસ વધુ એકવાર દેવદૂત બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં 5 વર્ષીય બાળક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયું હતું, ત્યારે પોલીસે 100થી વધુ CCTV તપાસી ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદના વતની એવા રમીલા અભેસ ડોડીયાર અને તેમના પતિ અભેસ ડોડીયાર છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમને સંતાનમાં 3 બાળકો છે, જે બાળકોને મજૂરી કામ દરમિયાન સાથે જ લઈ જાય છે. તેઓ મજૂરી કરતા હોય, અને સાથે-સાથે બાળકો રમતા હોય છે. તેઓ ગત તા. 18 જાન્યુઆરીના રોજ સવારે 10:00 કલાકે રાંદેર સેલબી હોસ્પિટલ પાસે મજૂરી કામ અર્થે આવ્યા હતા, અને સાથે પોતાના બાળકોને પણ લઈ ગયા હતા, તારે અભેસ ડોડીયારનું સૌથી નાનું બાળક રમતા-રમતા ગુમ થઈ ગયું હતું.
જેને લઈને શ્રમિક દંપતિ ચિંતામાં મુકાયું હતું. રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા રાંદેર પીઆઇ આર.જે.ચૌધરીએ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરતા તેઓના માર્ગદર્શન મુજબ અલગ-અલગ ટીમો બનાવી સર્વેલન્સ કોડ સ્ટાફના માણસો મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં, 100થી વધારે સીસીટીવી ચેક કરી, જ્યાં જ્યાંથી આ બાળક પસાર થયું તેના સગડ મેળવી સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરી પોલીસે તેના ફોટો-વીડિયો શેર કર્યા હતા. આ દરમિયાન પોલીસને આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળી આવ્યું હતું.
બાળક તેના માતા-પિતા પાસેથી ચાલતા-ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર આવી ગયું હતું. ત્યારબાદ તે ખૂબ જ થાકી જતાં રોડની સાઈડમાં જ સૂઈ ગયું હતું. રાંદેર પોલીસને આ બાળક સુધી પહોંચવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો. 10 કલાક સુધી અલગ-અલગ ટીમો આ બાળકને સહી સલામત શોધી કાઢવા માટે કામગીરી કરી રહ્યું હતું.
આ બાળકને ખૂબ જ જહેમતથી શોધી કાઢી સફળતા મેળવી હતી. આ બાળકનું શ્રમિક પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.