સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસને મળી મોટી સફળતા
ડભોલીની સર્જન વાટિકામાં પોલીસે પાડ્યા દરોડા
બોગસ આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ
RC બુક, કોમ્પ્યૂટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત
રૂ. 92 હજારના મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે ડભોલીની સર્જન વાટિકામાં દરોડા પાડી બોગસ આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રૂ. 92 હજારથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુરત પોલીસે અગાઉ આધારકાર્ડ, પાનકાર્ડ, લાઈસન્સ સહિતના બોગસ આઈડી પ્રૂફ્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, ડભોલીમાં બોગસ આરસી બુક બનાવવાનો વેપલો ચાલી રહ્યો છે. જેથી પોલીસે આ દિશામાં વર્કઆઉટ કર્યુ હતું, અને ડભોલીની સર્જન વાટીકામાં દરોડા પાડ્યા હતા.
પોલીસને અંકિત વઘાસિયા નામના યુવકના ઘરમાંથી સ્માર્ટ કાર્ડવાળી 370 આરસી બુક, કોમ્પ્યૂટર, પ્રિન્ટર, કાર્ટીઝ, કોરા સ્માર્ટ કાર્ડનું બંડલ, 15 ૨બર સ્ટેમ્પ, શાહીપેડ, 2 મોબાઇલ મળી કુલ રૂ. 92 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે, એક સાથે 370 આરસી બુક મળી આવતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ચોંકી ગયા હતા. પોલીસે અંકિત વઘાસિયા અને જિતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલને અટકાયતમાં લીધા હતા.
2 આરોપી પૈકી જિતેન્દ્ર પટેલ RTOનો એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જીતેન્દ્ર છેલ્લા 30 વર્ષથી RTO એજન્ટ તરીકે કામ કરતો હતો. જેના કારણે મિલીભગતમાં અંકિત વઘાસિયા આ ગોરખધંધો કરતો હતો. આરોપીઓ જે રીતે કોભાંડ આચરતા હતા.
તેમાં વરાછા વિસ્તારમાં ઉમિયા માતાના મંદિર સામે યમુના એન્ટરપ્રાઈઝ નામની ઓફીસ ચલાવતા અશોક ઉર્ફે બાલો કાછડીયા તેમજ પર્વત પાટિયા ક્રોમાના શોરૂમ પાસે આવેલ એસવી એન્ટરપ્રાઈઝ નામની ઓફીસ ચલાવતા સતિશ જીલ્લા સહીત બીજા ઘણા લોકો ફાઈનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરતા હતા.
તે વખતે આ લોકો જપ્ત કરેલ વાહનો કંપનીમાં જમા કરવાના બદલે વરાછાના ગાયત્રી ઓટો નામથી જૂની ગાડી લે-વેચનું કામ કરતા સવજીભાઈ અને અન્ય ડીલર્સને બારોબાર વેંચી નાખતા હતા.
આ વાહનોની આરસી બુક ન હોવાથી સવજીભાઈ તેઓ પાસે રહેલ ગાડીની આરસી બુક બનાવવા માટે જીતુ પટેલને ગાડીના રજીસ્ટ્રેશન નંબર સાથે અન્ય જરૂરી વિગત આપતા હતા, ત્યારે હાલ તો આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.