Connect Gujarat
સુરત 

સુરત : હોસ્પિટલના કર્મચારીએ પોસ્ટમોર્ટમ રૂમમાં 33 વર્ષમાં 50 હજારથી વધુ મૃતદેહના કર્યા ચીર-ફાડ

X

સુરત નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ચીર-ફાડ કરનાર કર્મચારી નિવૃત થયા. પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા 33 વર્ષની કામગીરીમાં 50 હજાર કરતાં પણ વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરી ચૂક્યા છે.

સુરતના નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ હાઉસમાં કામ કરનાર રમણભાઈ સોલંકી ઘણા વર્ષોથી ડેડ બોડીના ચીર-ફાડનું કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ નિવૃત્ત થયા છે. 33 વર્ષની કામગીરીમાં ટીમને 50 હજાર કરતાં પણ વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટ્મ કર્યા છે. તેમના અનુભવો સાંભળીને તમે પણ સમજી જશો કે પોસ્ટમોર્ટમ રૂમની અંદર થોડી મિનિટો વિતાવવી કેટલી ભયાવહ હોય છે.

સુરત શહેરમાં ભટાર વિસ્તારમાં રહેતા રમણભાઈ સોલંકી વર્ષ 1983માં નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ના કર્મચારી તરીકે જોડાયા હતા. રમણભાઈએ જૂની યાદોને વર્ણવતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં 6 વર્ષ નોકરી કર્યા બાદ 1988માં પીએમ રૂમ ખાતે નોકરી આપવામાં આવી હતી. પીએમ રૂમમાં નોકરીના પ્રથમ દિવસે પોસ્ટમોર્ટમ રૂમની અંદર પડેલી લાશોના બિહામણા દ્રશ્ય નજર સામેથી નહીં જતા ગળાની નીચે કોળિયો ઉતર્યો નહોતો. લાશો જોઈ ભયભીત થઈ જતો હતો. એક મહિના સુધી જમવા માટે લાવેલ ટિફિન ખાધા વગર ઘરે પાછો લઈ જતો. ધીરે ધીરે સમયની સાથે પોસ્ટમોર્ટમ આવતા મૃતદેહોના દ્રશ્ય સામાન્ય બનતા ગયા.

રમણભાઈએ કોમી તોફાન, પ્લેગ અને પુરના સમયે તો લાશોના ઢગલા વચ્ચે કામ કર્યું છે. વર્ષ 1994માં પ્લેગ બીમારી આવી ત્યારે પોસ્ટમોર્ટમમાં લાશોનો એટલો ઢગલો હતો કે પગ મુકવા જગ્યા પણ ન મળતી. મૃતદેહો પર બેસીને ટાંકા મારવા પડતા આવી સ્થિતિ પણ આવી હતી. તેવી જ રીતે 2002માં કોમી તોફાનમાં એટલી લાશો આવતી અને લાશોના દ્રશ્ય જોઈને ભયભીત થઈ જતા ત્યાર બાદ 2006માં પુર આવ્યું ત્યારે પણ લાશોનો ઢગલો થતો હતો. તેઓએ જણાવતા કહ્યું હતું કે, 33 વર્ષની નોકરીમાં તેઓએ 50 હજાર કરતા વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કર્યા છે. જેટલા જીવતા માણસોને આજ દિન નથી મળ્યો એટલા મૃતદેહોને મળ્યો છું.

Next Story