-
સુરતમાં વધુ એક સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર
-
ગેંગરેપના ગુનામાં બે લોકોની ધરપકડ
-
વોર્ડ નંબર 8ના બીજેપી મહામંત્રીની ધરપકડ
-
બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
-
જહાંગીરપુરાની હોટલમાં યુવતી સાથે ગેંગરેપ ગુજાર્યો
-
યુવતીને અર્ધ બેભાન કરીને ગુનાને આપ્યો અંજામ
-
નરાધમો દુષ્કર્મ બાદ યુવતીને ઘર પાસે મૂકી ગયા હતા
-
પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ
સુરત શહેરમાં ભાજપના વોર્ડનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂત દ્વારા 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે,અને પોલીસે બંને નરાધમોની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.ઘટના પહેલા યુવતીને માદક કોઈ પીણું પીવડાવીને અર્ધ બેભાન અવસ્થામાં હોટલમાં લઇ જવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરતના વેડરોડની રહેવાસી 23 વર્ષીય યુવતી બજારમાં કામ અર્થે ગઈ હતી. ત્યારે ત્યાં તેના જાણીતા યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ હતી. આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો. તેણે યુવતીને વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો હતો.
બાદમાં આદિત્યએ તેણે કારમાં કેફી પીણું પીવડાવ્યું હતું, જેથી થોડી ક્ષણોમાં જ યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી. આદિત્ય ઉપાધ્યાય પછી યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેનો એક મિત્ર ગૌરવસિંહ રાજપૂત પણ હાજર હતો. અહીં બંને આરોપીએ હોટલના રૂમમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી, જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. સુરત પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચલાવી આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતને ઝડપી લીધા છે.અને પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીનાં નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
જાણવા મળ્યા મુજબ ઘટનાનો મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નં.8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચાને કારણે BJP સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલા લેતા આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.