-
'સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન'ની પ્રેરણાથી કાર્યક્રમ યોજાયો
-
સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરતા 8 વ્યક્તિ વિશેષ
-
8 લોકોને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત
-
રૂ. 1 લાખ રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતી
સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા 'સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન'ની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત એવોર્ડ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રભાવનાથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સર્વ સાવરપ્રસાદ રામપ્રસાદ બુધીયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા, કેશવભાઈ ગોટી, ગીતાબેન શ્રોફ, તરૂણ મિશ્રા, કોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈ (વકીલ)ને 'ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી તેમજ રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પુરસ્કારની સાથે પ્રત્યેક વ્યક્તિ વિશેષને રૂ. 1 લાખનું રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા હતા. સંસ્કૃતિની રક્ષા માટે ઉમદા કામગીરી કરી રહેલા વ્યક્તિ વિશેષોને સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરી આનંદની લાગણી સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યુવાધનને સાચી દિશા આપવા અને દૂષણોને નાથવા પણ એટલા જ જરૂરી છે. નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારે મૂલ્યો સાથેના શિક્ષણ ઉપર પણ સતત ભાર મુક્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.