ડીંડોલી વિસ્તારમાં 17 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાધો
ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં ચકચાર
દીકરીના અંતિમ પગલાંથી પરિવાર શોકમાં ગરકાવ થયો
પિતાએ ભારે હૈયે કહ્યું : દીકરીને ડોક્ટર બનવું હતું..!
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ડીંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.
જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બનાવની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, આશાસ્પદ વિદ્યાર્થિનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.