Connect Gujarat
સુરત 

સુરત : લુમ્સના કારખાનામાં આધેડનું શંકાસ્પદ મોત, ન્યાયની માંગ સાથે પરિવારે કરી મૃતદેહ સ્વીકારવાની મનાઈ

પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું નોકરી પર શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે લુમ્સ માલિક દ્વારા બીજા દિવસે જાણ કરાતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો.

X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું નોકરી પર શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે લુમ્સ માલિક દ્વારા બીજા દિવસે જાણ કરાતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ સાથે જ પરિવારે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી છે, જ્યારે આ મામલે સિવિલ હોસ્પિટલ ખાતે આધેડના પરિજનો અને લુમ્સના માલિક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 49 વર્ષીય મઠલ્લુસિંગ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, 2 દીકરા અને એક દીકરી છે. મઠલ્લુસિંગ પાંડેસરા વિસ્તારમાં આવેલી યુનિટી ઇન્ડસ્ટ્રીના લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓ ગત તા. 30મી ઓગષ્ટના રોજ રાત પાળીમાં કામ પર ગયા હતા, જ્યારે તા. 31મીની સવારે શેઠે ખાતું બંધ કર્યું, ત્યારે મઠલ્લુસિંગ બહાર જ હતા, આ દરમિયાન તેમનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે, આ મામલે 6 કલાક બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. લાવારિસ તરીકે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. જોકે, લુમ્સ ખાતાના માલિક સિવિલ ખાતે આવ્યા જ ન હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમને ન્યાય જોઈએ છે, અને પોલીસ કાર્યવાહી ન કરે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. આ દરમિયાન લુમ્સના માલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પરિવારજનો અને શેઠ ધક્કે ચઢાવતા ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન અન્ય લોકોએ વચ્ચે પડી તમામને અલગ કરી મામલો થાળે પાડ્યો હતો.

Next Story