સુરતના કામરેજમાં પરબ ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી કમ મંત્રી રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો. આકારણી, વેરો અને પ્લોટમાં નામ ચઢાવી આપવાના નામે લાંચ માંગતા ACB માં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
સુરત ACBએ જણાવ્યા અનુસાર, કામરેજ શિવ ઇકો ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-1 માં આવેલા ફરિયાદી અને તેમના ભાઈના નામે બે પ્લોટ મળી 4 પ્લોટ ઉપર ચોથા અને પાંચમા માળનું બાંધકામ આકારણી કરી વેરો ચાલુ કરવાના અને ફરીયાદીના મિત્રના એક પ્લોટમાં નામ ચઢાવી, વેરો ભરવાના અવેજ પેટે પરબ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મહેશ પટેલે રૂપિયા 6000ની લાંચ માગી હોવાની ફરિયાદ થઈ હતી. જે બાદ ACB કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતાં ન હતા પરંતુ લાંચ વગર કામ ન થતું હોવાથી તેમને એ.સી.બી.ના અધિકારીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ પટેલ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 6000ની લાંચની રકમ સ્વીકારતો હતો ત્યારે જ ACB ના હાથે રંગેહાથે ઝડપાઇ ગયો હતો. હાલમાં આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.