સુરતની તાપી નદીમાં પુરનો ખતરો ટોળાઇ રહયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી આવી ચુકયાં હોવાથી તંત્ર સતર્ક બની ગયું છે. તાપી નદીના ઓવારા ખાતેથી 90 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે....
ઉકાઇ ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થઇ રહયો છે. તાપી નદીના કોઝવે ખાતે જળસ્તર 9.60 મીટર સુધી પહોંચી ગયું છે. તાપી નદીના ઓવારા બંધ કરતા 90 થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.મેયર હેમાલી બોઘવાળાએ મોડી રાત્રે રેવાનગર, સીમાડા ખાડીની મુલાકાત લીધી હતી. તાપી નદીની સપાટીમાં વધારો થઇ રહયો હોવાથી ડક્કા ઓવારા અને અડાજણ રેવા નગરના રહીશોને પણ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યાં છે. બે દિવસથી સતત વરસી રહેલાં વરસાદે વિરામ લેતાં હાશકારો થયો છે પણ ડેમમાંથી હજી પાણી છોડવામાં આવી રહયું છે. ઉકાઈ ડેમની સપાટી 342.13 ફૂટ પર પહોંચી છે. હજી ડેમમાં ઉપરવાસમાંથી 2.42 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે 2.07 લાખ કયુસેક પાણી નદીમાં છોડાઇ રહયું છે.