-
કાપોદ્રામાં 118 રત્ન કલાકારોએ ઝેરી પાણી પીવાનો મામલો
-
દેવું વધી જતાં આરોપીએ આત્મહત્યાનો પ્લાન બનાવ્યો હતો
-
આરોપીએ ફિલ્ટર પાસે ઝેરી દવા પીવાનો કર્યો હતો પ્રયાસ
-
હિંમત ન થતાં સેલફોર્સ પાવડરનું પાઉચ ફિલ્ટરમાં નાંખી દીધું
-
પોલીસે આરોપી મેનેજર નિકુંજ દેવમુરારિની ધરપકડ કરી
સુરતમાં 118 રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ દેવમુરારિને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી, અને તે જ આરોપી નીકળ્યો છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના અનભ ડાયમંડમાં કૂલરમાં પહેલાં જેને ગંધ આવી તે મેનેજર નિકુંજ દેવમુરારી જ આરોપી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર, નિકુંજને ઓનલાઇન અનાજ ટ્રેડિંગના ધંધામાં લાખોનું દેવું થયું ઉપરથી ગર્લફેન્ડ પાછળ પૈસા ઉડાવી દીધા હતા. જેના કારણે નિકુંજને 10 લાખનું દેવું થઈ જતાં લોકો ઉઘરાણી કરવા આવતા હતા. જેથી તે ટેન્શનમાં આવી ગયો હતો.
આપઘાત કરવા માટે ગત તા. 31મી માર્ચના રોજ નિકુંજે સરથાણાના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી સેલફોર્સ પાવડરનું પેકેટ ખરીદી કર્યું હતું. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસથી તે સ્યુસાઇડ કરવાનો પ્લાન બનાવતો હતો, પણ જીવ ચાલતો ન હતો. ખાલી પાવડર ખાવાની પણ તેની હિંમત ન હતી. જોકે, ગત તા. 9મી એપ્રિલે સવારે તે કારખાનામાં પાણીના કૂલર પાસે ગયો, જ્યાં પાણીમાં નાંખીને ઝેર ખાવાની તૈયારી કરતો હતો, ત્યારે જ અન્ય કારીગરો પણ આવી પહોંચતાં નિકુંજે ઉતાવળમાં સેલફોર્સ પાવડરની પડીકી કૂલરમાં નાંખી દીધી હતી.
તેને ખબર હતી કે, ઝેરવાળું પાણી છે છતાં તે આ પાણી પી ગયો હતો. તેની સાથે અન્ય 6 કારીગરોએ પણ બોટલોમાં પાણી ભરી દીધું હતું. આ ઝેરી પાણી પીવાથી કારીગરોના જીવનું જોખમ થઈ શકે છે, તેવા ડરના કારણે નિકુંજે પાણીમાં ગંધ આવતી હોવાની વાત કારખાનાના સુપરવાઇઝરને કરી હતી.
જેથી સુપરવાઇઝરે ત્યાં આવીને પાણીનું કૂલર ચેક કરતાં તેમાંથી સેલફોર્સનું પેકેટ મળી આવ્યું હતું, ત્યારે હાલ તો અનભ ડાયમંડમાં પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુન્હામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી નિકુંજ મુખ્ય મેનેજરનો ભાણેજ થાય છે, જેથી કારખાનામાં તેને મેનેજર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.