ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આયોજન
એસટી બસના મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો
ઉધનામાં રૂ. 4.72 કરોડના ખર્ચે ડેપો અને વર્કશોપ તૈયાર
નવીન ડેપો અને વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
વધુ 20 નવી હાઇટેક વોલ્વો બસની ફાળવણી : હર્ષ સંઘવી
સુરત શહેરના ઉધના ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન અધ્યતન સુવિધા સાથેના ડેપો અને વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 4.72 કરોડના ખર્ચે સુરત શહેરના ઉધના વિસ્તારમાં અધ્યતન સુવિધા સાથેના ડેપો અને વર્કશોપનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. એસટી વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટરૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, સ્ટોર રૂમ, જેન્સ તેમજ લેડીસ ટોયલેટ, લોંગ સર્વિસ પીટ, વોટર રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, ડેપો મેનેજર ઓફિસ, 2 રેકોર્ડરૂમ, એડમીન ઓફિસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવા વર્કશોપની એસટીના સૌ પરિવારને શુભકામના સાથે એસટીના કર્મચારીઓએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સાથે જ આપણે આપણાં વાહનનું પૂજન કરતા હોઈએ છીએ, તે જ રીતે એસટી બસનું પૂજન કરવા ડ્રાઇવરોને અપીલ કરી હતી. ઉપરાંત મુસાફરોની સંખ્યા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 25 લાખ સુધી પહોંચી છે, અને હવે આગામી દિવસોમાં આ સંખ્યા 30 લાખને પાર થવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી ગુજરાતના નાગરિકો માટે 20 નવી હાઇટેક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 8 બસ સુરતને, 8 બસ રાજકોટને અને 4 બસ વડોદરાને ફાળવવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ 80 જેટલી અદ્યતન વોલ્વો બસ ગુજરાતના લોકો માટે રસ્તા પર દોડાવવામાં આવશે. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ, ઉધનાના ધારાસભ્ય મનુ ફોગવા, શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, મેયર દક્ષેશ માવાણી, કલેકટર ડો. સૌરભ પારધી, સુરત એસટી ડિવિઝનલ પી.વી.ગુર્જર તેમજ એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.