Connect Gujarat
સુરત 

સુરત: આજથી 25 રૂપિયામાં ફરો આખું શહેર ! મુસાફરોએ માન્યો પાલિકાનો આભાર

સુરત મહાનગર પાલિકાની મહત્વની યોજના, માત્ર 25 રૂ.ની ટિકિટ ખરીદી કરી શકાશે મુસાફરી,સીટી બસ અને BRTSની બસમાં યોજના લાગુ

X

સુરત મહાનગર પાલિકા દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. સુમન પ્રવાસ ટિકિટ સુવિધા અંતર્ગત સિટી અને બીઆરટીએસ બસની માત્ર 25 રૂપિયાની ટિકિટ ખરીદી આખો દિવસ મુસાફરી કરી શકાય એ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા સીટીલીંક લિંકના નેજા હેઠળ શહેરમાં 13 રૂટ પર બીઆરટીએસ અને 45 રૂટ પર સીટી બસ સેવા ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને રોજીંદા પ્રવાસીઓ માટે આમ તો મંથલી પાસ રૂપે મનપા દ્વારા સુરત મની કાર્ડ વર્ષોથી ચલાવવામાં આવે જ છે પરંતુ હવે મનપા દ્વારા આજથી 21 જુલાઈ 2022થી સુમન પ્રવાસ ટીકીટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સિટીલિંકની બોર્ડની બેઠકમાં શહેરીજનોના હિત માટે આ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.સુરત મહાનગરપાલિકાની સીટી બસ અને બીઆરટીએસ બસ સેવાનો રોજનો 2.30 લાખ જેટલા લોકો મુસાફરીનો લાભ લે છે. જોકે હજી પણ મોટી સંખ્યામાં સુરતીઓ આ બસ સેવાનો લાભ લે અને માસ ટ્રાન્સપોર્ટેશનનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી મહાનગરપાલિકા અને સીટી લિંક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આજે સવારે મેયર હેમાલી બોઘાવાળા સહિતના પદાધિકારોએ બસ સ્ટોપની મુલાકાત લઈને મુસાફરોને આ બાબતથી માહિતગાર કર્યા હતા એટલું જ નહીં તેઓએ મુસાફરોના બીજા સૂચનો પણ જાણવાના પ્રયત્નો કર્યા હતા. તેઓએ મુસાફરોને માહિતી આપી હતી કે હવે માત્ર 25 રૂપિયામાં એક જ ટિકિટ ખરીદીને ગમે તેટલી વખત આખા દિવસમાં આખા શહેરની મુસાફરી અનલિમિટેડ કરી શકાય છે. મુસાફરોએ પણ આજે મહાનગરપાલિકાની આ સેવાને વધાવી લીધી હતી.

Next Story