સુરતમાં દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના આદિવાસી યુવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, ત્યારે આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી તમામ આદિવાસી યુવા નેતાનું AAP પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ દરેક રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે કમર કસી રહ્યા છે, ત્યારે આદિવાસી મતદારોને પોતાની તરફ ખેંચવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી આંદોલનકારીઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં તાપી પાર નર્મદા રિવર પ્રોજેક્ટ હોય કે, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ આ તમામ પ્રોજેક્ટનો વિરોધ કરનારા આદિવાસી આંદોલન કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના આદિવાસી યુવા નેતા AAPમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીમાં ડોક્ટર પ્રફુલ વસાવા, જીમી પટેલ, કુંજન રમેશ ઢોડીયા, નરેન્દ્ર કાંતિલાલ ચૌધરી અને જયદીપ રાઠોડનો સમાવેશ થયો છે. આદિવાસી આંદોલનકારીઓને ખેસ અને ટોપી પહેરાવી AAP પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. AAPમાં જોડાયેલા આંદોલનકારીઓએ જણાવ્યુ હતું કે, અમારા બંધારણીય હક્કો હજુ સુધી અમને આઝાદીના આટલા વર્ષે પણ મળ્યા નથી, ત્યારે હવે અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી આકર્ષાઈ તથા તેમણે આપેલી ગેરંટીઓના આધારે અમે આપમાં જોડાયા છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં અન્ય લોકોને પણ જોડવાનો સંકલ્પ કર્યો હતો.