વ્યાજખોરોનો આતંક યથાવત
ઝીંગા વેપારીને વ્યાજખોરે આપી ધાકધમકી
વેપારીએ રૂ.51 લાખ સામે રૂ.85 લાખ ચૂકવ્યા
વ્યાજખોરે કરી પઠાણી ઉઘરાણી
પોલીસે આરોપીની કરી ધરપકડ
સુરત શહેરના અડાજણમાં વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.રૂપિયા 51 લાખની સામે 85 લાખ વસુલ કરી લીધા બાદ પણ વ્યાજખોરે ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.અને પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલભેગો કરી દીધો હતો.
સુરત શહેરમાં ફાઈનાન્સર આનંદ ચોસિયા સામે પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા ઝીંગાના વેપારીએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી છે.ફાઈનાન્સર આનંદ ચોસિયાએ પાંચ ટકાના વ્યાજે ટુકડે-ટુકડે કુલ રૂપિયા 51 લાખ આપ્યા હતા. લોનની સુરક્ષા તરીકે ઓલપાડ તાલુકાના મંદ્રોઈ ગામની જમીનના કાગળો અને મકાનની કબજા રસીદ આપવાની શરત નક્કી કરવામાં આવી હતી. પરંતુ નક્કી કરાયેલા બે વર્ષના સમયગાળા દરમિયાન વેપારી સમયસર રકમ પરત આપી શક્યા નહોતા, જેના કારણે વ્યાજ સાથેની રકમ ઝડપથી વધી ગઈ હતી.
વેપારીએ આક્ષેપ કર્યો છે કે આરોપી આનંદ ચોસિયા રોજબરોજ ઘરે આવી ઉઘરાણી માટે દબાણ કરતો અને ગાળાગાળી કરતો હતો. દબાણ વધતા વેપારીને પોતાના મિત્ર પાસેથી રૂપિયા 15 લાખ ઉછીના લઈને ચૂકવવા પડ્યા હતા. કુલ રૂ. 85 લાખ ચૂકવ્યા હોવા છતાં, જમીન અને ઝીંગા તળાવ સંબંધિત કાગળો પરત આપવામાં આવ્યા નહોતા.રાંદેર પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી વ્યાજખોરી, ધમકી અને બળજબરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.