સુરત શહેર તથા જીલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊચકતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. ઠેર ઠેર સર્વે હાથ ધરી મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય તેવા 9 હજાર લોકોને નોટીસ આપવામાં આવી છે.
સુરત શહેર તથા જીલ્લામાં રોગચાળો વકરતાં સુરત નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે, વોર્ડની બહાર બેડ મુકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે. વરસાદ વચ્ચે તડકો આવતાં ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાના ભરડામાં 2 લોકોના જીવન હોમાઈ ગયા છે. હાલ સપ્ટેમ્બર મહિનામાં સુરતમાં મેલેરિયાના 85 કેસ, 49 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.
મનપા દ્વારા ગત મહિનામાં અનેક વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાંથી 66 હજાર મકાનોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા હતા. આ સ્તહે જ 39 લાખ મકાનોમાં છેલ્લા 2 મહિનામાં સર્વે થયો હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યુ હતું. આ સર્વેમાં 16 હજાર તાવના કેસ સામે આવ્યા હતા, જ્યારે 868 આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય તેવા 9 હજાર લોકોને નોટીસ આપવામાં આવી છે. હાલ લોક પ્રતિનીધીના સંપર્કમાં રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે, દરેક લોક પ્રતિનિધિને તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે, નહીં તે બાબતે પૂછવામાં આવશે.