કોરોના સંક્રમણ અંકુશમાં આવતા લોકોના વેપાર ઉદ્યોગ સામાન્ય થઈ ગયા છે, ત્યારે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પણ હવે ધમધમતા થઈ જતાં વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે.
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરીએ તો, અન્ય રાજ્યોમાં સુરતથી કાપડના સપ્લાયમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષમાં લગ્નસરા અને રમઝાન માસ બન્ને સિઝન કોવિડના પિક સમયમાં આવતા કાપડનો વેપાર પુરે પૂરો ઠપ્પ થયો હતો, જ્યારે હવે કોરોનાના તમામ પ્રતિબંધો દૂર થતાં કાપડ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે, સુરતમાંથી અન્ય રાજ્યોમાં જતી ટ્રકોની સંખ્યા પણ ખૂટી પડી છે. હાલમાં સુરતમાંથી કાપડ ભરીને 350 જેટલી ટ્રકો અન્ય રાજ્યોમાં જાય છે. જેથી ટ્રાન્સપોર્ટરોને બુકીંગ લેવાનું બંધ કરવું પડે છે.
હાલમાં સુરતમાંથી પ્રતિ દિવસ રૂ. 220 કરોડનું કાપડ અન્ય રાજ્ય સપ્લાય થાય છે. જોકે, વીતેલા 2 વર્ષમાં માર્ચ-એપ્રિલમાં માંડ રૂ. 100 કરોડનો વેપાર થવો પણ મુશ્કેલ હતો, ત્યારે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમતા થતાં વેપારીઓમાં ખુશી જોવા મળી છે.