સુરતમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની છે. સાત વર્ષ પહેલાં પોતાના પિતાને અકસ્માતમાં ગુમાવી દેનારી યુવતીનું પણ અકસ્માતમાં જ મોત થયું છે. મૃતક યુવતી ટીઆરબીમાં ફરજ બજાવતી હતી અને સવારની પાળીમાં નોકરી માટે વરિયાવથી પાલનપુર પાટીયા જઇ રહી હતી.
સુરતમાં વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલરે એકટીવાને ટકકર મારતાં ટીઆરબીમાં ફરજ બજાવતી યુવતીનું મોત નીપજયું છે. મૃતક યુવતીનું નામ પ્રતિ ચૌધરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જય સંતોષી મા એજન્સીના ટ્રેલરના ડ્રાયવરની અટકાયત કરી લીધી છે. સુરતમાં જુલાઇ મહિનામાં જ ભેસ્તાન પાસે વાહન ચેકીંગ કરી રહેલી મહિલા કોન્સટેબલનું ડમ્પરની ટકકરે મોત થયું હતું. હવે ટ્રેલરની ટકકરે મહિલા ટીઆરબીના મોતના સમાચાર સામે આવી રહયાં છે.
સુરતમાં ટીઆરબી વિભાગમાં ફરજ બજાવતી પ્રિતિ ચૌધરી સવારની નોકરી હોવાથી એકટીવા લઇને વરિયાવથી પાલનપુર પાટીયા જવા માટે નીકળી હતી. દરમિયાન ટ્રેલરના ચાલકે ટકકર મારતાં તે રોડ પર પટકાઇ હતી અને તેના માથા પર તોતિંગ પૈંડા ફરી વળ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક મહિલાના પિતાનું સાત વર્ષ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદથી નાની બહેન અને માનસિક બિમાર માતાની જવાબદારી ઉઠાવી રહી હતી.
જોકે, હવે માતા અને બહેનનો આર્થિક સહારો જ અકસ્માતમાં છિનવાઈ ગયો છે.સવારે પ્રીતિ માતાને પગે લાગી પહેલીવાર વરિયાવ જહાંગીરપુરા થઈ પોતાના નોકરીના સ્થળ પાલનપુર પાટીયા જઇ રહી હતી ત્યારે માર્ગમાં કાળનો ભેટો થઇ ગયો હતો.