સુરત : ચોરી કરવાના ઇરાદે મકાનમાં ઘુસેલા તસ્કરે કરી યુવકની હત્યા, જાણો સમગ્ર મામલો..!

પાંડેસરામાં ઘરમાં ઘુસેલા તસ્કરે કરી હત્યા, 2 ભાઈ પૈકી એકનું ગળું કાપી હત્યા કરી.

New Update
સુરત : ચોરી કરવાના ઇરાદે મકાનમાં ઘુસેલા તસ્કરે કરી યુવકની હત્યા, જાણો સમગ્ર મામલો..!

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ મણીનગરમાં મધરાત્રે ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા અજાણ્યા તસ્કરે 2 પૈકી એક ભાઈનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. તસ્કરે રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલ મણીનગરમાં મધરાત્રે હત્યા બાદ લૂંટની ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડતો થઈ ગયો હતો. પરિવારના ચાર ભાઈઓ બુધવારની મધરાત્રે ઘરમાં સૂતા હતા, ત્યારે કોઈ ઈસમ ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હતો. જેની આહટ સાંભળી વીરેન્દ્ર ગુપ્તા અને વિષ્ણુ ગુપ્તા તસ્કરને પકડવા દોડ્યા હતા. એવામાં તસ્કરે વીરેન્દ્રને ગળા પર અને વિષ્ણુને હાથ પર ઘા મારી ઘરમાંથી 12 હજાર જેટલી રોકડ રકમ લઈ ભાગી ગયો હતો.

જોકે, હુમલો થયા બાદ વિષ્ણુએ બુમાબુમ કરી દેતાં આખો પરિવાર ઉંઘમાંથી જાગી ગયો હતો. જમીન પર લોહીના ખાબોચિયામાં પડેલા વીરેન્દ્રને જોઈ પરિજનોની ચીચીયારીઓ નીકળી ગઈ હતી, ત્યારે વીરેન્દ્રને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરાયો હતો, જ્યારે ઇજાગ્રસ્ત વિષ્ણુને હાથમાં ટાંકા લઈ રજા આપી દેવામાં આવી હતી. હાલ તો પાંડેસરા પોલીસે હત્યારા તસ્કરનું પગેરું શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.

Latest Stories