શહેરમાં અશ્વિનીકુમાર પોલીસ મથકનું નવનિર્માણ કરાયું
જનસંખ્યાને ધ્યાને લઈ વધુ એક પોલીસ મથકનો વધારો
નાયબ મુખ્યમંત્રીના વરદહસ્તે પોલીસ મથકનું લોકાર્પણ
સમગ્ર શહેરમાં હવે પોલીસ મથકોની સંખ્યા 41 જેટલી થઈ
અસામાજિક તત્વો માટે પોલીસ મથક ભયનું પ્રતીક : હર્ષ સંઘવી
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શહેરના લોકોની શાંતિ-સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે, ત્યારે આજરોજ નવનિર્મિત અશ્વિનીકુમાર પોલીસ મથકનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના તાપી કિનારે માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા 'અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન'નું ઉદ્ઘાટન રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરત શહેરની અંદાજિત વસ્તી 50 લાખ જેટલી છે, ત્યારે આ વસ્તીને ધ્યાને રાખી વધુ એક પોલીસ મથકની શરૂઆત કરવામાં આવી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ મુદ્દે નિવેદન આપતા જણાવ્યુ હતું હતું કે, પોલીસને જનતાના ખિસ્સા ખાલી કરવામાં રસ નથી. પરંતુ જનતાના જીવ બચાવવા પોલીસની પ્રાથમિકતા છે. લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને દંડ કરવાની જગ્યાએ 'ફૂલ' આપીને સન્માનિત કરવા પોલીસને સૂચન કર્યું હતું. આ સાથે જ છેતરપિંડીનો ભોગ બનેલા એક વેપારીને ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ કાર્યક્રમ દરમ્યાન રૂ. 52 લાખની રોકડ પરત કરવામાં આવી હતી.
સરદાર પટેલની લોખંડી પ્રતિમા અને તાપી મૈયાના દર્શન સાથેનું આ નવું પોલીસ મથક હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે રક્ષક અને અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું છે. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.