રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ
55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ
પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા
વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય
તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા
સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.
સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.
તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતી, જેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છે, જેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફ, તમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કે, નહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.