વરાછામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
24 કલાકમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો
ચોરી થયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો
પોલીસે તમામ મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો
ફરિયાદીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીના કેસમાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે,અને લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરીને તેના માલિકને પરત આપ્યો હતો.
સુરતના વરાછાની સાધના સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને લાખોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘરના માલિક દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ શંકાસ્પદ આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 16.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં કિંમતી ઘડિયાળો, રોકડ રકમ અને અન્ય દાગીનાઓનો સમાવેશ થાય છે.
સુરત પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રૂપિયા 16.40 લાખનો સામાન ભોગ બનનાર પરિવારને પરત સોંપ્યો હતો. પોતાની ગુમાવેલી મૂડી આટલી ઝડપથી અને સુરક્ષિત રીતે પરત મળતા ફરિયાદી પરિવારે પોલીસનો આભાર માનતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.