આત્મીય સંસ્કારધામમાં બે વિદ્યાર્થીનીઓના રહસ્યમય મોત
વિદ્યાર્થીનીઓએ ઓનલાઇન સર્ચ કરીને ભર્યું અંતિમ પગલું
પોલીસની પ્રાથમિક તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો મળી
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસસેલ તપાસ પર સૌની મીટ
સુરતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી.કામરેજ વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી.પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ રહસ્ય હજુ પણ ઘેરું બન્યું છે.
સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યા હતા.સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જપ્ત કરાયેલા મોબાઈલની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, બંનેવિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરતા પહેલા કઈ રીતે આપઘાત કરવો તે અંગે ગૂગલ અને અન્ય માધ્યમો પર સર્ચ કર્યું હતું.
પોલીસને ઘટનાસ્થળેથી એટલે કે બાથરૂમમાંથી એક ઇન્જેક્શન અને ત્રણ દવાની બોટલો મળી આવી છે, જે શંકા પ્રેરે છે કે કોઈ ઝેરી દવા ઇન્જેક્શન દ્વારા લેવામાં આવી હોઈ શકે છે. જોકે, સત્તાવાર પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે. હાલ FSLની ટીમ દ્વારા નમૂનાઓ લેવામાં આવ્યા છે અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આ બંને યુવતીઓએ આટલું અંતિમ પગલું શા માટે ભર્યું? શું તેમની પર કોઈ દબાણ હતું કે પછી અન્ય કોઈ કારણ? આ દિશામાં પોલીસે મૃતકોના પરિવારજનો અને તેમના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિર જેવા પવિત્ર સ્થળે વિદ્યાર્થીનીઓએ કેમ આ જગ્યા પસંદ કરી, તે પણ એક તપાસનો વિષય છે. હાલ તો પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ ઘટનાએ વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય બાબતે અનેક સવાલો ઉભા કર્યા છે.