સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ગામના 57 વર્ષીય મહિલા માર્ગ અકસ્માત બાદ બ્રેઇનડેડ થતાં તેઓના અંગદાન થકી 5 લોકોને નવજીવન આપવા પરિવારે અનોખો સેવાયજ્ઞ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ગામના રહેવાસી 57 વર્ષીય કંચનબેન લક્ષ્મણભાઇ પટેલનું માર્ગ અકસ્માતમાં મગજને ગંભીર ઇજા થતા બ્રેઇન હેમરેજ થયું હતું. છેવટે તબીબોએ કંચનબેનને બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં અંગદાન માટે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો, ત્યારે લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યું હતું. હોસ્પીટલના ફલોર પર જાણ્યા-અજાણ્યા સહુએ પ્રાર્થના કરી હતી. કંચનબેનની કિડની, આંખ, લિવર, ફેફસાં સહિતના 5 અંગોનું દાન કરવામાં આવતા 5 લોકોને નવું જીવન પ્રાપ્ત થશે. દેશ અને દુનિયામાં અંગદાન બાબતે ખૂબ જાગૃ્તિ લાવવાની જરૂર છે. લિવર અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા લાખો લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. તો જન્મ થયો ત્યારથી અંધાપાનો ભોગ બનેલા લોકો સાતરંગોની દુનિયા નહીં જોઇ શકવાની લાચારી ભોગવી રહ્યા છે, ત્યારે એક નાનકડા ગામના સ્વ. કંચનબેન અને અંગદાનનો નિર્ણય કરનારા સગા સંબંધીઓએ અનોખી મિશાલ રજૂ કરી છે.