સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરી વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ની થેલી કે ઝબલાની વપરાશ, વેચાણ કરતા વેપારીઓની પાલિકા ટીમે તપાસ હાથ ધરી હતી. 10 વેપારીઓ પાસેથી 43 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર દસેય વેપારીઓને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

75 માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટીકના વપરાશથી લોકો આરોગ્ય અને પર્યાવરણ પર માઠી અસર પડતી હોવાથી રાજ્યમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે. 75 માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિકનો વપરાશ, વેચાણ કરતા વેપારીઓ સામે તવાઈ હાથ ધરવા પાલિકા પ્રમુખ બેલા બેન વ્યાસ, ઉપપ્રમુખ ગીતાબેન મકવાણાએ પાલિકા ટીમ બનાવી શહેરમાં કાર્યવાહી હાથ ધરી હતી. ચીફ ઓફિસર તુષાર ઝલરિયા, એસ.આઈ જગદીશ પરમાર, સરવેયર કે.ડી.ચાવડા સહિત હેલ્થ એન્ડ સેનિટેશન શાખાની ટીમે શહેરના વિસ્તારોમાં ચેકિંગ કરી 10 વેપારી પાસેથી 43 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિક ની થેલી કે ઝબલાની વપરાશ કરતા પકડાયેલા 10 વેપારીઓને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. દસેય વેપારીઓ પાસેથી 1,000 રૂ.નો દંડ વસુલ કરી ભવિષ્યમાં 75 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો વપરાશ કે વેચાણ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.