આંધ્રપ્રદેશના કડપામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર, અન્નામય્યા ડેમ તૂટ્યા બાદ 20 જેટલાં ગ્રામજનો પૂરના પાણીમાં તણાઇ ગયાં હતાં, તેમાંથી 8 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે 12 લોકો હજી પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.
તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ભારે વરસાદથી વિનાશ સર્જાયો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર અને લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. વરસાદના પ્રકોપની સૌથી ભયાનક તસવીર આંધ્રપ્રદેશના અનંતપૂર જિલ્લાથી સામે આવી છે. રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે. લોકોને બચાવવા માટે એરફોર્સ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા અનેક વિસ્તારોમાં રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે અહીં ચિત્રાવતી નદીમાં પૂર આવ્યું છે. આ પૂરમાં 10 લોકો પાણીના તેજ વહેણ વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થાનિક ધારાસભ્યએ આ જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. ત્યારબાદ સેનાના હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આંઘ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે હાલ સુધીમાં 17 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધારે લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
