રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા યોજાયો જાગૃતિ કાર્યક્રમ 

દીકરીઓની સુરક્ષા માટે કરવામાં આવી પહેલ

આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા વિષય અંગે કાર્યક્રમ

એમ.ટી.એમ.ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓને તાલીમ આપવામાં આવી

વિદ્યાર્થીનીઓને ઉપયોગી એવી નિઃશુલ્ક છત્રીઓનું વિતરણ કરાયું

અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા એમ.ટી.એમ. ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે આત્મરક્ષણ અને જાગૃતિ અંગેના સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા એમ.ટી.એમ. ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય વિષય “આત્મવિશ્વાસ સાથે ના કહેવાની કળા” રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીનીઓને સમાજમાં સુરક્ષિત રીતે રહેવા અને પોતાના આત્મસન્માન માટે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ અંદાડીયા, કારોબારી ચેરમેન રાહુલ વામજા, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન શિલ્પા સુરતી, રોટરી ક્લબના પ્રમુખ સમીર પંડ્યા તેમજ સેક્રેટરી શૈલેન્દ્ર રાણા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આમંત્રિતોએ દીકરીઓને સ્વ-સુરક્ષા, માનસિક મજબૂતી અને મુશ્કેલ પરિસ્થિતિઓનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ સંસ્થા દ્વારા વિદ્યાર્થીનીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહનાર્થે નિઃશુલ્ક છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવી છત્રીઓ મેળવીને શાળાની દીકરીઓના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો.