કાશ્મીર પંડિતના મુદ્દા પર બોલિવૂડમાં ટૂંક સમયમાં એક ફિલ્મ આવવાની છે. આ ફિલ્મનું નામ છે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’. આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો પોતાની અભિનય કૌશલ્ય બતાવવાના છે. આ ફિલ્મ સાથે સંબંધિત અનુપમ ખેરનો લૂક સોમવારે જાહેર થયો હતો, પરંતુ હવે આ ફિલ્મમાંથી મિથુન ચક્રવર્તીનો લૂક સામે આવ્યો છે.
અનુપમ ખેરે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં મિથુન ચક્રવર્તી સાથે સંબંધિત લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે સંબંધિત મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ મોશન પોસ્ટર મિથુન ચક્રવર્તીનું છે. આ પોસ્ટરમાં મિથુન ચક્રવર્તીનો લુક એકદમ અલગ દેખાઈ રહ્યો છે. પોસ્ટરની ખાસ વાત એ છે કે બેકગ્રાઉન્ડમાં મિથુન ચક્રવર્તી પોતાના મજબૂત અવાજમાં ફિલ્મના ડાયલોગ બોલતા જોવા મળે છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 26 જાન્યુઆરી, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર કાશ્મીરી પંડિતની ભૂમિકા ભજવી રહ્યા છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે એવું કહેવામાં આવે છે કે તે એક સત્ય ઘટના છે, જે કાશ્મીરી પંડિત સમુદાયના કાશ્મીર નરસંહારના પીડિત પ્રથમ પેઢીના વીડિયો ઇન્ટરવ્યુ પર આધારિત છે. તે કાશ્મીરી પંડિતોના દર્દ, વેદના, સંઘર્ષ અને આઘાતની હૃદયદ્રાવક કથા છે. તે લોકશાહી, ધર્મ, રાજકારણ અને માનવતા વિશે આંખ ખોલનારા તથ્યો વિશે પણ પ્રશ્નો ઉભા કરે છે.
