ભોલાવ વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલય ખાતે આયોજન
વિવિધ કેટેગરીમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓની પસંદગી કરાય
પસંદગી પામેલા વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો
હાઉસ કન્વીનર અને શિક્ષકો દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા
શાળાના આચાર્યા સહિત મોટી સંખ્યામાં શિક્ષકોની ઉપસ્થિતિ
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલય ખાતે વિવિધ કેટેગરીમાં પસંદગી પામેલા પ્રતિનિધિ વિદ્યાર્થીઓ માટે ‘શપથવિધિ સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલય ખાતે ‘શપથવિધિ સમારોહ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક વર્ષ 2026-27માં પસંદગી પામેલા હેડ બોય, હેડ ગર્લ, કેપ્ટન, વાઈસ કેપ્ટન, સ્પોર્ટ્સ પર્સન, કલ્ચરલ હેડ બોય, ડિસીપ્લીન હેડ બોય જેવા પ્રતિનિધિઓને હાઉસ કન્વીનર અને શિક્ષકો દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા હતા.
આ નિમિત્તે વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ દ્વારા પરેડનુ આયોજન કરવામાં આવ્યું હતું. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. શાળા દ્વારા પોતાને મળેલ જવાબદારીને સંપૂર્ણપણે પ્રામાણિકતા, નિષ્ઠાપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે નિભાવવા તથા શાળાને વફાદાર રહેવા વિદ્યાર્થીઓએ પ્રતિબદ્ધતા દાખવી હતી.
આ ઉપરાંત ગત વર્ષે વિજેતા બનેલ હાઉસના કન્વીનર જિગીષા શર્માએ એકતાની ભાવના વિકસાવવા તથા શાળાની ગરિમા જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો. શાળાના આચાર્યા શ્રુતિ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સેવા અને સમર્પણના મંત્ર સાથે શાળાના અનુશાસનમાં રહીને કાર્ય કરવા હાકલ કરી હતી. આ સાથે જ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને મળેલ જવાબદારી માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
