આજે તા. 24 ઓક્ટોબર એટલે કે, ‘સંયુક્ત રાષ્ટ્ર દિવસ’ની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા સેવા સદન ખાતે પણ આ દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સંયુક્ત રાષ્ટ્ર (UN)નો સત્તાવાર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

તા. 24 ઓક્ટોબર,1945ના રોજ વિશ્વમાં શાંતિ, સુરક્ષા અને પરસ્પર સહયોગ સ્થાપવાના ઉદ્દેશ સાથે ‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ’ (UN) ની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય ધ્વજ સંહિતાના નિર્ધારિત નિયમો અને રાજદ્વારી પ્રોટોકોલ અનુસાર, દર વર્ષે તા. 24 ઓક્ટોબરને દેશભરના મુખ્ય સરકારી ભવનો તથા વહીવટી કચેરીઓ ખાતે સંયુક્ત રાષ્ટ્ર પ્રત્યે સન્માન દર્શાવવા માટે રાષ્ટ્રધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્ર (UN)નો ધ્વજ પણ ફરકાવવામાં આવે છે.

આ પરંપરાના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતનો ત્રિરંગો અને તેની સમકક્ષ સંયુક્ત રાષ્ટ્ર (UN)નો વાદળી ધ્વજ એકસાથે લહેરાતો જોવા મળ્યો હતો. જે કચેરી ખાતે આવતા મુલાકાતીઓ અને નાગરિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.