— સત્તાના સમીકરણો, ગોડફાધરો સાથે ગુપ્ત બેઠકોનો દોર, રિસામણા-મનામણા વચ્ચે ‘ડેમેજ કંટ્રોલ’ સફળ!
— તાલુકા પંચાયતમાં નવા સૂત્રધારોની વરણીની ઘડીઓ ગણાય રહી છે.
અંકલેશ્વર નગરપાલિકામાં આગામી 19મી તારીખે પ્રમુખ, ઉપ-પ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની સત્તાવાર જાહેરાત થવા જઈ રહી છે. આ જાહેરાત પૂર્વે જ શહેરના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારનો આખો દિવસ અને રાત દાવેદારો તેમજ તેમના ‘ગોડ ફાધરો’ વચ્ચે ગુપ્ત સ્થળોએ લાંબી બેઠકોનો દોર ચાલ્યો હતો. સત્તાના આ ખેલમાં પોતાની દાવેદારી મજબૂત કરવા માટે અનેક સમીકરણો રચાયા હતા. સૂત્રોનું માનીએ તો, કેટલાક અસંતુષ્ટ સભ્યોને શાંત પાડવા માટે ‘ઘી ના ઠામમાં ઘી ઢોળાયું’ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
પક્ષમાં કોઈ આંતરિક વિખવાદ ન ઉભો થાય તે માટે મોવડી મંડળ દ્વારા સક્રિય રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જે દાવેદારોને આ વખતે સ્થાન મળી શકે તેમ નથી, તેમને આગામી ટર્મમાં પ્રમુખ પદ અથવા કારોબારી ચેરમેન બનાવવાની ખાતરી આપીને હાલ પૂરતા શાંત પાડવામાં આવ્યા છે. લાલચ અને સમજાવટની આ વ્યૂહરચના બાદ હવે 19મી તારીખે નામ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.
માત્ર નગરપાલિકા જ નહીં, પરંતુ અંકલેશ્વર તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવે તેવી અટકળોએ જોર પકડ્યું છે. નગરપાલિકાની સાથે જ તાલુકા પંચાયતનું ચિત્ર પણ સ્પષ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે.હવે જોવાનું એ રહેશે કે 19મી તારીખે કોના શિરે વિજયનો તાજ મુકાય છે અને કોને સંગઠનમાં સંતોષ માનવો પડે છે.