-
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને રજુઆત
-
ટ્રાન્સપોર્ટરો દ્વારા રજુઆત કરાય
-
ટોલપ્લાઝાના કર્મચારીઓની હેરાનગતિનો આરોપ
-
ગેરકાયદેસર નાંણા વસુલાતના આક્ષેપ
અંકલેશ્વર નજીક આવેલા મુલદ-માંડવા નર્મદા બ્રિજ ટોલટેક્સ ફરી વિવાદમાં આવ્યો છે. ટોલકર્મચારીઓ દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાત, ગેરવર્તણૂક અને ધાક-ધમકીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
અંકલેશ્વર પાસેના મુલદ-માંડવા નર્મદા બ્રિજ ટોલટેક્સ પર ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રાજેશ ભોળા રામાણી દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવાયુ છે કે ટોલટેક્સ પર કાર્યરત કેટલાક પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ વાહનચાલકો સાથે અભદ્ર વર્તન કરી નિયમ કરતાં વધુ રકમ બળજબરીથી વસૂલતા હોવાના આરોપ છે.
ફરિયાદ અનુસાર ઓવરલોડના બહાના હેઠળ વાહનચાલકો પાસેથી વધારાની રકમ લેવામાં આવે છે તેમજ કેટલાક કર્મચારીઓ ચાલુ વાહનો પાસે જઈ જોખમી રીતે વસૂલાત કરતા હોવાને કારણે અકસ્માતની શક્યતાઓ વધે છે અને જાહેર સુરક્ષા જોખમાય છે.અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે ટોલ પર કામ કરતા કેટલાક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યુ નથી તેમજ ટોલના નિયમિત દરોનું પાલન થતુ નથી. સ્થાનિક વાહનચાલકોને મળવાની રાહતનો અમલ પણ ન થતો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે.
વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાને કારણે સમગ્ર મામલે આયોજનબદ્ધ ગેરરીતિની શંકા વ્યક્ત કરી ટોલના મુખ્ય કોન્ટ્રાક્ટર સામે પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.ફરિયાદમાં ટોલકર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ હાથ ધરવી, સીસીટીવી ફૂટેજની તપાસ કરવી, પોલીસ મોનિટરિંગ ગોઠવવુ તેમજ નિયમભંગ સાબિત થાય તો નેશનલ હાઇવે ઓર્થોરિટી દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાની ભલામણ કરવાની માંગ કરવામાં આવી છે.હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
