• રેન્જરોવરની બેલગામ રફ્તાર

  • વૈભવી કારનો ભયાનક અકસ્માત

  • કાર ચાલકે સ્ટિયરિંગ પરથી ગુમાવ્યો કાબુ

  • કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાય

  • પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી    

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ટાવર ચાર રસ્તા પાસે રેન્જરોવર કારના ચાલકે કારને બેફામ હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો,જેના કારણે કાર ડિવાઇડર કુદીને ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ હતી,અને ટાયર પણ છૂટું પડ્યું ગયું હતું,જ્યારે અકસ્માત સર્જીને કાર છોડી ચાલક ફરાર થઈ ગયો હતો.   

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પર ઝુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી કારનો અકસ્માત થયો છે. રેન્જરોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ છૂટું પડી ગયું હતું.આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.