/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/26164524/maxresdefault-350.jpg)
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા 2 કર્મચારીઓ પર સુપરવાઇઝરે ચોરીનો આરોપ મૂક્યો હતો. જેમાં કર્મીઓને માર મારતા 400 જેટલા કર્મચારીઓ મોડી રાતથી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જોકે સુપ્રિટેન્ડન્ટની સમજાવટ બાદ તમામ કર્મચારીઓ ફરીથી પોતાના કામે લાગી ગયા હતા.
વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા 400 જેટલા કર્મચારીઓએ જ્યાં સુધી સુપરવાઇઝર દ્વારા માફી માંગવામાં નહિં આવે અને તેઓને સસ્પેન્ડ કરવામાં નહિં આવે ત્યાં સુધી કામથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે કોવિડ વિભાગ સહિત હોસ્પિટલના અન્ય વિભાગોની સાફ સફાઇ સહિતની કામગીરી ઠપ થઇ ગઇ હતી.
સયાજી હોસ્પિટલમાં સાફ સફાઇ સહિતની કામગારી કરતા કર્મચારીઓ પૈકી 2 કર્મચારીને કોન્ટ્રાક્ટના સુપરવાઇઝરે ટાંકા લેવાના વાયરોની ચોરીનો આરોપ મુકી માર માર્યો હતો. ઉપરાંત બન્નેને અર્ધનગ્ન કરીને વોર્ડમાં ફેરવવામાં આવ્યા હોવાનો પણ કર્મીઓએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ અન્ય કર્મચારી પાસે બળજબરીપૂર્વક ટાંકાના વાયરોની ચોરી કરી હોવાનું કબૂલાત નામુ લખાવી લેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જોકે 2 કર્મચારી સાથે સુપરવાઇઝરે કરેલા વ્યવહારને પગલે 400 જેટલા કર્મચારીઓ ગત મોડી રાતથી હડતાળ ઉપર ઉતરી ગયા હતા.
કોવિડ વિભાગ સહિત હોસ્પિટલના તમામ વિભાગોની સાફ સફાઇ સહિતની તમામ કામગીરી ઠપ થઇ ગઇ હતી. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ મળ્યા હતા, ત્યારે સુપ્રિટેન્ડન્ટે જણાવ્યુ હતું કે, હડતાળનો માર્ગ અપનાવી દર્દીઓને હેરાન કરવા ખોટી વાત છે. ઉપરાંત બન્ને પક્ષોને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવતા સમજાવટ બાદ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરીથી પોતાના કામે લાગી ગયા હતા.