વડોદરા : હોસ્પિટલોમાં બેડ વધારવા અને વેન્ટિલેટર સ્થાપિત કરવા તંત્રએ કર્યું રાત્રિ જાગરણ, કામમાં પ્રગતિની મેળવી જાણકારી

New Update
વડોદરા : હોસ્પિટલોમાં બેડ વધારવા અને વેન્ટિલેટર સ્થાપિત કરવા તંત્રએ કર્યું રાત્રિ જાગરણ, કામમાં પ્રગતિની મેળવી જાણકારી

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ ખાતે બેડની ક્ષમતા વધારીને 715 કરવાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત સોમવારની આખી રાત તંત્ર દ્વારા વિવિધ હોસ્પિટલોમાં પથારીઓની સુવિધા વધારી અને વેન્ટિલેટર બેસાડી લોકો માટે સારવાર સુવિધા વધારવાની કામગીરી કરવામાં આવી હતી. જેની સતત જાણકારી મેળવીને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગોત્રી હોસ્પિટલ ખાતે નોડલ અધિકારીઓ અને સેક્શન અધિકારીઓ સાથે લગભગ મધ્ય રાત્રી સુધી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલના 7માં માળે ઓકસીજન લાઈન સ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 50 નવા ઓકસીજન બેડ તૈયાર થઈ જવાની શક્યતા છે. 7માં માળે પ્લાસ્ટિક સર્જરી આઇસીયુમાં વધુ 20 ઓકસીજન બેડ સ્થાપિત કરવા માટે અવકાશ છે. આ માળ પર આગામી 2થી 3 દિવસમાં 70 વધુ ઓકસીજન બેડની સુવિધા તૈયાર થઈ જશે. જેના પગલે ગોત્રી હોસ્પિટલની કોવિડ બેડ ક્ષમતા 575થી વધીને 715 થશે. અગાઉના દિવસની રાત્રિએ અહી 5 વેન્ટિલેટર સ્થાપિત કરવામાં આવ્યા હતા. જોકે મંગળવારની વહેલી સવારે અહી વધુ 10 વેન્ટિલેટર લગાવવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. જેના પગલે ગોત્રી હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા 140થી વધીને 155 થઈ. તે જ રીતે વહેલી સવારે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવારની પથારીઓમાં 10 વેન્ટિલેટર સ્થાપિત કરવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. આમ,ખાસ ફરજ પરના અધિકારી અને તંત્રે રાત્રિ જાગરણ કરી સારું પરિણામ મેળવ્યું હતું.

Latest Stories