વડોદરા શહેરના કોયલી પેટ્રોફિલ્સ વિસ્તારમાં યુવકે રિવોલ્વર વડે પોતાને ગોળી મારી આપઘાત કરી લેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં પેટ્રોફિલ્સ કંપની નજીક એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જ્યાં તપાસ કરવામાં આવતા 28 વર્ષીય સમીર રાઠોડ મૂળ આણંદ જિલ્લાના નાપાડ અને હાલમાં કોયલી ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. મૃતક સમીર રાઠોડ રિફાઇનરીમાં ગેટ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો, અને તે ગત ગુરૂવાર સાંજથી ગુમ હતો. પરિવારજનો એક તરફ તેની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, તેના મૃતદેહ પાસેથી પોલીસને એક રિવોલ્વર પણ મળી આવી હતી. તેથી પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું કે, મૃતક સમીરે આ રિવોલ્વર વડે આત્મહત્યા કરી લીધી છે. જોકે, હાલ તો પોલીસ આત્મહત્યા અને હત્યા બંને પાસાઓ ચકાસી રહી છે.