વડોદરાની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું, આ સાથેજ શ્વેતાએ અત્યાર સુધીમાં 297 વખત આકાશી કૂદકો મારી ચૂકી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે, આ સમયે લોકો પોતપોતાની રીતે વિવિધ કાર્યક્રમોનાં આયોજન કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈ એ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું છે. આકાશમાં રામનામનો ધ્વજ લહેરાવવા માટે મહિલાએ દિવાળીના દિવસોથી પ્લાન બનાવીને એક મહિના જેટલી તાલીમ લીધી હતી. જોકે આ મહિલા સ્કાય ડાઇવર અત્યાર સુધીમાં 297 વખત આકાશી કૂદકો મારી ચૂકી છે. વડોદરામાં રહેતી સ્કાય ડાઈવર શ્વેતા પરમારે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસોમાં મારી મમ્મી સાથે ચર્ચા કરી રહી હતી કે, આપણે ભગવાન શ્રીરામનું સ્વાગત કેવી રીતે કરી શકીએ, ત્યારે મારી માતાએ મને આ આઈડિયા આપ્યો હતો, ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં હું થાઈલેન્ડ ગઈ હતી, મેં થાઈલેન્ડમાં જય શ્રીરામ લખેલા બેનરને આકાશમાં ફરકાવવાનું નક્કી કર્યું હતું. જેના માટે હું છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહી હતી અને વધારે તાલીમ પણ લીધી હતી. જ્યારે મેં પ્લેનમાંથી કૂદકો મારીને જય શ્રીરામ લખેલા બેનરને 13,000 ફૂટની ઊંચાઈથી બેનર લહેરાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે દિવસે મારે જમ્પ મારવાનો હતો, તે દિવસે પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, ભગવાન શ્રીરામની કૃપાથી મેં સારી રીતે જમ્પ માર્યો હતો. મને આ કાર્યમાં મદદ કરનાર તમામ લોકોનો આભાર માનું છું. મને ગર્વ છે કે, મને મારા દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને દર્શાવવાનો સ્કાય ડાઈવિંગ થકી મોકો મળ્યો છે.વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી શ્વેતા પરમાર અલગ અલગ એરક્રાફ્ટમાંથી અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઈવિંગ કરી ચૂકી છે.