મોરબીની મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં 190થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે આ ગોઝારી દુર્ઘટનાના મૃતકોને સુરત શહેરના વિદ્યાકુંજ શાળા પરિવાર દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, ત્યારે આ ગોઝારી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા સુરત શહેરના અડાજણ ખાતે આવેલ વિદ્યાકુંજ શાળા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પટાંગણમાં ઉપસ્થિત લોકોએ 150 મિનિટનું મૌન પાળીને અનોખી રીતે નિઃશબ્દ શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ એક કાગળમાં રામ નામ મંત્ર લખવામાં આવ્યો હતો. જે કાગળને શાળા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ કુંભમાં અર્પણ કરવામાં આવશે. આ શ્રદ્ધાંજલિ કુંભને મચ્છુ નદીના જળમાં વિસર્જન કરી તમામ મૃતકોને પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવશે.