Connect Gujarat
વડોદરા 

હચમચાવતી હરણી તળાવ દુર્ઘટના : નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે ગુન્હો દાખલ, 3 શખ્સની અટકાયત...

વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ ખાતે આવ્યા હતા.

X

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે ગુન્હો દાખલ કરી હાલ 3 શખ્સની અટકાયત કરી છે.

વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ ખાતે આવ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેને પગલે બોટ પલટી મારી જતાં બાળકો તળાવમાં ડૂબતાં કરુણાંતિકા બની છે. હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતાં તળાવમાં જીવ ખોનાર બાળકોના માતાપિતાના આક્રંદથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું. ઘટનાને પગલે મોડી રાત સુધી NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બીજી બાજુ રેસ્ક્યૂ કરાયેલા બાળકોને તેમના વાલીઓ ઘરે લઇ ગયા હતા. તળાવમાં બોટ પલટી જવાની ઘટના બાદ એક બાદ એક બેદરકારી અને સેફ્ટી નિયમોની ઐસીતૈસી કરાઇ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે, જેનું પાલન થયું ન હતું. તો બીજી તરફ, ક્ષમતા કરતા વધારે લોકો બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા છે. વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઇવરની ધરપકડ કરી છે. તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસે 9 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂદ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ, હરણી તળાવ દુર્ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોચ્યા હતા, જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે આ મામલે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. રાજ્ય સરકારે 10 દિવસમાં ઘટનાનો તમામ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

Next Story