/connect-gujarat/media/post_banners/ef53e23c265fd148df80a7e0d1ca05880658fb10e1ec98d23b97197fd1ab8781.jpg)
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાન અને સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન દર્શન માટે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કર્યા હતા, જ્યાંથી પરિવાર સુરત પરત ફરી રહ્યો હતો. તે સમયે વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે-વેટ પાસે કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ સમયે કારમાં સવાર સુરતના પલસાણાના રહેવાસી રઘાજી કિશોરજી કલાલ, રોશન રઘાજી કલાલ, પ્રકાશ રામાજી ગુર્જર અને રાકેશ કનૈયાલાલ ગુર્જરનું મોત થયું હતું, જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યારે જરોદ પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી જતાં રેસ્ક્યૂ-ઓપરેશનમાં JCBની મદદ લેવામાં આવી હતી, ત્યારે હાલ તો અકસ્માત મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.