Connect Gujarat
વડોદરા 

વડોદરા : 67 વર્ષીય રાષ્ટ્રપ્રેમીનું અનોખું અભિયાન, 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શીખવ્યું

દેશના સન્માનના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય તે માટે વડોદરાના એક રાષ્ટ્રપ્રેમી છેલ્લા 58 વર્ષથી અભિયાન ચલાવી રહ્યા છે.

X

દેશના સન્માનના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય તે માટે વડોદરાના એક રાષ્ટ્રપ્રેમી છેલ્લા 58 વર્ષથી અભિયાન ચલાવી રહ્યા છે. 67 વર્ષીય વૃદ્ધ 4 લાખથી પણ વધુ લોકોને રાષ્ટ્રધ્વજ સાચી રીતે ફરકાવવો તેમજ રાષ્ટ્રગાન કેવી રીતે કરવું, તેની સંપૂર્ણ તાલીમ આપી ચૂક્યા છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સગડોળ ગામના 67 વર્ષીય હરેન્દ્રસિંહ દાયમા યુવાની કાળથી જ દેશભક્તિના રંગે રંગાયેલા છે. વર્ષ 1974માં તેમણે વર્તમાન પત્રોમાં રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવવો ? તે વિશે સમાચાર વાંચ્યા, અને અહીંના સરદાર ભવનમાં તાલીમ લેવા માટે આવ્યા. સરદાર ભવનમાં તેમણે રમણ રાણા પાસે આ બાબતની થોડા કલાકની તાલીમ લીધી. ત્યારથી જ તેમણે લોકોને તાલીમ આપવાનું શરૂ કર્યું. આ દરમ્યાન તેમણે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. હાલમાં સરદાર ભવનના નિયામક તરીકે કાર્યરત હરેન્દ્રસિંહ દાયમા જણાવ્યુ હતું કે, શૈક્ષણિક કે સામાજિક સંસ્થામાં છાત્રોને તાલીમ આપવાનું કાર્ય કરીએ છીએ.

સંસ્થાના આમંત્રણથી જે તે સંસ્થામાં જઇને છાત્રોને રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે કેવી રીતે ગડી વાળવી, સ્થંભમાં સૂતરની દોરી કેવી રીતે બાંધવી, બિનસરકારી સંસ્થાનોમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું, રાષ્ટ્રગાન કેવી રીતે કરવું જેવી મહત્વની બાબતો છાત્રોને શીખવવામાં આવે છે. મહદ્દઅંશે રાષ્ટ્રગીતના ગાન વખતે લોકો દ્વારા તેના શબ્દોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થતું નથી. જેમ કે, સિંધુના બદલે સિંધ, ઉત્કલના સ્થાને ઉચ્ચછલ, બંગને બદલે બંગા, તરંગને સ્થાને તરંગા અને ગાહેના બદલે ગાયે એવા શબ્દો ગાવામાં આવે છે. અમે છાત્રોને સાચા શબ્દોના ઉચ્ચારણ સાથે 52 સેકન્ડમાં રાષ્ટ્ર ગાન કરતા શીખવીએ છીએ. જોકે, સરદાર ભવન દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાન ગુજરાત પૂરતું સીમિત ન રહેતા આસામના દુર્ગમ વિસ્તારોમાં પણ કેમ્પ યોજી ઉક્ત બાબત શીખવવામાં આવી છે. આ ઉપરાંત 50 વર્ષથી વસંત-રજબ કોમી એકતા વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. વસંત હેગિષ્ઠે અને રજબ લાખાણી અમદાવાદમાં કોમી રમખાણો દરમ્યાન સદ્દભાવના માટે શહાદત વહોરી હતી.

Next Story