વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં ડીકમ્પોઝ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ ફ્લેટના એક મકાનમાંથી અત્યંત દુર્ગંધ મારતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, આ અંગે આખરે પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસતા માલુમ પડ્યું કે, ઘરમાં યુવકે ગળે ફાંસો ખાધો છે, અને ડિકમ્પોઝ હાલતમાં તેનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ ઘટનાની તપાસમાં જોડાયેલા તમામ પોલીસકર્મીઓએ નાક આડે રૂમાલ રાખી દુર્ગંધ રોકવાના પ્રયાસો કરીને કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે, અહિંયા આખો દિવસ અવર જવર રહે છે. પાછળ જોતા ઇન્જેક્શન, બીડી, સિગરેટો દેખાયા, અહિં બધી જ એવી પ્રવૃત્તિઓ થાય છે, જે યુવાનો માટે ઘાતક છે. આજે આ બધી ગતિવીધીને લઇને યુવાનનો પ્રાણ જતો રહ્યો છે, ત્યારે આ મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ, યુવાનની હત્યા થઈ છે કે, પછી આત્મહત્યા અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.