વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પોલીસ અશોક જૈનને નિસર્ગ તથા હેલીગ્રીનના ફલેટમાં લઇ જઇને ઘટનાનું રી-કન્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.
વડોદરાના ચકચારી હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટ, અશોક જૈન અને અલ્પુ સિંધિ પોલીસની ગિરફતમાં આવી ગયાં છે. આરોપી રાજુ ભટ્ટના રીમાન્ડ પુરા થતાં તે હાલ વડોદરા સબજેલમાં છે જયારે અન્ય આરોપી અશોક જૈનના રીમાન્ડ ચાલી રહયાં છે. હરિયાણાની યુવતીએ અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જયારે બુટલેગર અલ્પુ સિંધિ ફરિયાદી યુવતીનો મિત્ર છે. અશોક જૈન વડોદરાનો જાણીતો ચાર્ટડ એકાઉટન્ટ છે અને દુષ્કર્મની ફરિયાદ બાદથી નાસતો ફરતો હતો પણ પોલીસે ટેકનીકલ સર્વેલન્સની મદદથી પાલિતાણાથી દબોચી લીધો છે. હાલ તે નવ દિવસના પોલીસ રીમાન્ડ ઉપર છે.
આરોપી અશોક જૈનને સાથે રાખીને પોલીસે નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં તથા વાસણા રોડના હેલીગ્રીન બિલ્ડીંગમાં લઇ જઇને પોલીસે અઢી કલાક સુધી રિકન્સ્ટ્રકશન કર્યું હતું. જ્યાં અશોક જૈને તમામ ચીજો ઓળખી બતાવી હતી. પીડિતા સાથેના વાઇરલ થયેલા ફોટા બતાવતા અશોક જૈને કહ્યું હતું કે હું પીડિતાની જોડે બેઠો હતો પણ મે કંઇ કર્યું ન હતું. બીજી તરફ અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલ કરવામાં આવ્યો હતો. જયાં તેના સ્પર્મ સહિત વાળ, લાળ અને નખના જરૂરી સેમ્પલ લઇ તપાસ માટે મોકલાયાં છે. અમે જણાવી દઇએ કે આ કેસમાં અત્યાર સુધી કાનજી મોકરીયા, રાજુ ભટ્ટ અને અશોક જૈનની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા સબજેલમાં રહેલાં રાજુ ભટ્ટની તબિયત લથડતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.