/connect-gujarat/media/post_banners/ac7473abb743d7d42d23197bd4baca55d96d0a0817f486af755ba48364d9e042.jpg)
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી 3 તોલા સોનાની ચેઇન તોડીને બાઈક પર આવેલા 2 શખ્સ ફરાર થઈ ગયા હતા. આ મામલે વૃદ્ધાના પુત્રએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે CCTV ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે બન્ને રીઢા ગુનેગારોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સમા પોલીસને સોંપ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી 5 તોલા વજનની સોનાની 3 ચેઇન, 2 બાઇક અને 2 મોબાઇલ મળી પોલીસે કુલ રૂ. 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વૈભવ જાદવ BSC અને આરોપી ભાવિન ચાંડપા BBAનો અભ્યાસ જુનાગઢ ખાતેની કોલેજમાં કરતા હતા, ત્યારે બન્ને રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા.
બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી, અને તેઓએ કોલેજમાં અભ્યાસ પૂર્ણ નહીં કરીને વર્ષ-2014માં રાજકોટ ખાતે બાઇક ચોરી કર્યાં બાદ સાથે મળી જુનાગઢ, વેરાવળ અને કેશોદ ખાતે મહિલાઓના ગળામાંની સોનાની ચેઇનો તોડી લેવાના કુલ 9 ગુનાઓ આચર્યા હતા. ત્યારબાદ પણ વૈભવ જાદવે રાજકોટ અને સુરત ખાતે બાઇક ચોરી કરીને તેના પર ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે બન્ને ભણેલા-ગણેલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.