રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે ભેટીએ ચઢાવ્યાની ઘટના બન્યા બાદ વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે બાઇક લઈને નીકળેલા બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે ભેટીએ ચઢાવતાં તેનું મોત નીપજયું હતું જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રાજેશ ટાવર રોડ પર આવેલી B-1, વિષ્ણુકુંજ સોસાયટી વિભાગ-1 રહેતા જિજ્ઞેશભાઈ ઉર્ફે જિતુ મહીજીભાઈ રાજપૂત (ઉં.48) મોડી રાત્રે પોતાની બાઇક લઈને સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે વરસાદને કારણે સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ હતી. લાઇટો બંધ હોવાને કારણે બાઇકચાલક જિજ્ઞેશભાઈ રસ્તા પર એકાએક દોડી આવેલી ગાયને જોઇ શક્યા નહોતા અને તેમને ગાયે ભેટીએ ચઢાવતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા. ગાયે બાઇકચાલક જિજ્ઞેશભાઈ રાજપૂતને ભેટીએ ચઢાવતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. રોડ પર પટકાતાં બેભાન થઈ ગયેલા જિજ્ઞેશભાઈને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દરમિયાન આ બનાવની જાણ પરિવારજનો અને સ્થાનિક લોકોને થતાં તેઓ દોડી આવ્યા હતા.
જિજ્ઞેશભાઈનું મોત થતાં પત્ની કુસુમબેન, દીકરી 18 વર્ષની દીકરી કિરણ સહિત પરિવારજનો પર આભ ફાટ્યું હતું. આ ઘટનાને પગલે વિષ્ણુકુંજ સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સાહ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. નોંધનીય છે કે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી તિરંગાયાત્રામાં ભાગ લેવા જતી વખતે તેમના કાફલામાં આખલો ઘૂસી આવતાં અફરાતફરી મચી હતી. એ પૂર્વે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તિરંગાયાત્રા દરમિયાન ગાયે ભેટીએ ચઢાવતાં પગમાં ઇજા પહોંચી હતી. આ ઘટનાઓ બાદ સરકારે રાજ્યમાં રસ્તે રઝળતી ગાયો અંગે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.