-
જમીન સોદામાં ભાજપ કાર્યકરે લગાવ્યો ચૂનો
-
ભાજપના કોર્પોરેટર સાથે જ ભેજાબાજોએ કરી ઠગાઈ
-
બોગસ વ્યક્તિઓને હાજર રાખીને વેચાણ દસ્તાવેજ કર્યા
-
જોકે સોદામાં આપેલો ચેક બેંકમાં જમા નહીં થતા કૌભાંડ આવ્યું બહાર
-
પોલીસે કોર્પોરેટરની ફરિયાદ દર્જ કરીને તપાસ કરી શરૂ
વડોદરાના સુખલીપુરા ખાતેની જમીનના સોદામાં ભાજપના કોર્પોરેટરને ખુદ ભાજપના કાર્યકર સહિત ત્રણ લોકોએ ચૂનો ચોપડ્યો હતો,અને જમીનના મૂળ માલિકના બદલે અન્ય બોગસ વ્યક્તિને હાજર રાખીને વેચાણ દસ્તાવેજ બનાવી લીધો હતો,આખી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી.
વડોદરાના સુખલીપુરા ખાતે આવેલી મોરબીના મૂળ માલિકની મિલકત 1.45 કરોડમાં વેચાણ આપવાના બહાને ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ સહિત બે શખ્સોએ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લીધા છે.
બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસે કરાવી હતી, પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહી થતા શંકા ગઇ હતી અને બંને જણાનો ભાંડો ફૂટ્યો હતો.
કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.
ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 20 વર્ષથી દિલીપસિંહ સાથે ભાજપમાં કામ કરતા હોવાથી તેમની પર વિશ્વાસ હતો અને અગાઉ પણ તેમની પાસેથી મે જમીન ખરીદી હતી.જોકે તેઓએ મારી સાથે ઠગાઈ કરી છે.