Connect Gujarat
વડોદરા 

વડોદરા : સમાની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતી માતા અને પુત્રી ગરબા રમીને ઘરે આવ્યાં, પછી જે બન્યું તે હજી રહસ્ય જ છે

વડોદરામાં મહેંદી ઉર્ફે હીનાની હત્યાની શાહી સુકાય નથી તેવામાં ચંદનપાર્ક સોસાયટીમાં રહેતી માતા અને પુત્રીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાં

X

વડોદરામાં મહેંદી ઉર્ફે હીનાની હત્યાની શાહી સુકાય નથી તેવામાં ન્યુ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતી માતા અને પુત્રીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યાં છે. વડોદરામાં બે દિવસમાં બનેલા બે બનાવોએ સૌને ચોંકાવી દીધાં છે. રાજયના ચર્ચાસ્પદ શિવાંશ કેસમાં શિવાંશની માતા હીના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે તો આ ઘટનાના કલાકો બાદ વડોદરામાંથી માતા અને પુત્રીના મૃતદેહ શંકાસ્પદ હાલતમા઼ મળી આવ્યાં છે. વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં મકાન નંબર 48માં 36 વર્ષીય શોભના પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યા હતા. ત્યારબાદ બંનેની તબિયત બગડતા પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. જયાં માતા અને પુત્રીને મૃત ઘોષિત કરવામાં આવ્યાં હતાં. મૃતક શોભનાબેનના ભાઇએ હત્યાની આશંકા વ્યકત કરી છે.

મૃતક શોભનાબેનનાગળાના ભાગે ઇજાના નિશાન છે અને છોકરીને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હોય તેમ પોલીસ માની રહી છે. રાત્રે અઢી વાગ્યે ખાનગી હોસ્પિટલમાં પતિ લઇ ગયો હતો. પણ બંનેના મોત થયા હતા. આમ રાત્રે 12થી લઇને અઢી વાગ્યાના ગાળામાં કંઇક અજુગતુ બન્યું હોવાની પોલીસને આશંકા છે. જેને પગલે પોલીસે પતિ તેજસ પટેલની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે,મૃતક મહિલાનો પતિ ઘર જમાઇ તરીકે રહે છે અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. હાલ અમે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.

Next Story