/connect-gujarat/media/post_banners/aa595f0c9a7008f6c876abdfc0db6337a7ece845005a4188cf93744318e93f70.jpg)
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ છેલ્લા 30 વર્ષથી કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. જોકે, કોઈ નિર્ણય ન આવતા કર્મચારીઓને ભર ઉનાળે ફૂટપાથ ઉપર ધરણા યોજી લોકો પાસે ભીખ માંગવાની નોબત આવી છે.
વડોદરા કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા, બાલવાડી તથા કચેરીમાં ફરજ બજાવતા ચોથા વર્ગના 570 જેટલા કર્મચારીઓ હતા, જ્યારે છેલ્લા 30 વર્ષથી તેઓ કાયમી થવા બાબતે તંત્ર સામે બાંયો ચડાવી ગાંધી ચિંધ્યા માર્ગે સતત લડત ચલાવી રહ્યા છે. હાલ 380 જેટલા કર્મચારીઓ નિવૃત્ત અને કેટલાક કર્મચારીઓ અવસાન પામ્યા છે, જ્યારે 190 કર્મચારીઓ કાર્યરત છે. નિવૃત્તિ બાદ પેન્શનનો લાભ નહીં મળતા આર્થિક પરિસ્થિતિ ગંભીર બની છે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ 2019 દરમિયાન લેબર કોર્ટએ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરી કાયમી કરવા બાબતનો ઠરાવ કર્યો હતો. જે મંજૂરી અર્થે વડોદરા કોર્પોરેશને મોકલી આપ્યો હતો. પરંતુ સામાન્ય સભામાં આ ઠરાવ મુલતવી કરી, આજદિન સુધી મંજૂરી આપવામાં આવી નથી. પરિણામે વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિ છતી થઈ છે. જેના કારણે વર્ગ-4ના કર્મચારીઓ ભર ઉનાળે ફૂટપાથ ઉપર ધરણાં યોજી રહ્યા છે. એટલું જ નહીં લોકો વચ્ચે જઈને તેઓને ભીખ માંગવાની પણ નોબત આવી છે, જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.