Connect Gujarat
વડોદરા 

વડોદરા : કોર્પોરેશન દ્વારા લાયન્સ કલબ તરફના માર્ગે બે દેરી તોડી પડાય, કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો

કોર્પોરેશને ધાર્મિક લાગણી દુભાવી, કોંગ્રેસ દ્વારા મંદિરના પુન: સ્થાપનની માંગ

X

વડોદરા મ્યુન્શીપાલ કોર્પોરેશન દ્વારા વિકાસની આડમાં ઓલ્ડ પાદરા રોડ હેવમોર સર્કલ અને લાયન્સ કલબ તરફના માર્ગ પાસે નડતરરૂપ બે નાના મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા જેને લઈને વડોદરા કોંગ્રેસ દ્વારા વિરોધ કરી મંદિર પુનઃ સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા ગુરુવારે મોડી રાત્રે ઓલ્ડ પાદરા રોડ હેવમોર સર્કલ અને લાયન્સ કલબ તરફના માર્ગ પાસે નડતરરૂપ બે નાના મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવી વડોદરા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી મંદિરના પુન: સ્થાપનની માગણી કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે અને હિન્દુત્વની વાતો કરતા ભાજપ શાસકોના મંદિરોના ડીમોલેશન રોકવા હાથ ધ્રૂજી રહ્યા છે.

આ ઘટનામાં જવાબદાર ધારાસભ્ય ,મેયર, મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટરના ઘરે જઈ રજૂઆત કરાશે. વધુમાં જણાવ્યું હતું કે, મંદિર તોડી પાડ્યું તે સ્થળે ગેરકાયદેસર પોલીસની કેબીન તથા વીજ કંપનીની કમ્પાઉન્ડ વોલ છે. તે કેમ દૂર કરવામાં આવ્યું નથી. વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, વિકાસની આડમાં મંદિર તોડવું હોય તો મંદિરના અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા સાથે મંદિર પુનઃસ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર તોડવા જોઈએ. જેથી લોકોની ધાર્મિક લાગણી ન દુભાય. પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સત્તાના નશામાં શાસકો ભૂલી ગયા છે કે જે સત્તા આપી શકે છે તે છીનવી પણ શકે છે. ભાજપના શાસનમાં માત્ર ગરીબ પ્રજાને પરેશાન કરવામાં આવે છે. આ પ્રકારના કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.

Next Story